પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. 5 દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે હવે તે બાદ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ફરી 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
વાહન ચાલકોમાં ભારે રોષ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો થતા અમદાવાદમાં પેટ્રોલના ભાવ 98.35 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.19 રૂપિયા થઈ ગયો છે. જો કે હજુ પણ સવારથી પેટ્રોલપંપ પર વાહન ચાલકોની લાઇન જોવા મળી રહી છે. હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા હોવાથી વાહન ચાલકો વાહનની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે. તેમજ 5 દિવસમાં ફરી એક વખત 90 પૈસાનો વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા પણ મળી રહ્યો છે.
‘સરકાર બદલાય તો કંઈક અસર થાય’ વાહન ચાલક વિરમભાઈએ જણાવ્યું હતું કે, આખી જિંદગી હવે મોંઘવારીની અસર રહેવાની છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ ઘટાડો કરવામાં આવતો નથી. મન ફાવે તેમ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. સરકાર બદલાય તો કંઈક અસર થાય તેવું લાગી રહ્યું છે બાકી સરકાર નહીં બદલાય તો ભાવ વધતા જવાના છે. મોંઘવારી સામે દર મહિને કઈ બચત થાય તેવું લાગી રહ્યું નથી. બધી વસ્તુઓના ભાવમાં વધારો થતા ઘર ચલાવવુ પણ મુશ્કેલ બન્યું છે.

