વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં ગરીબોના હક સમાન સરકારી અનાજની ચોરી અને કાળાબજાર કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે.
ગ્રાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કે અવાજ ઉઠાવવામાં આવે તો તેમને ઓનલાઇન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ અપાતી હોવાની પણ ગંભીર રાવ ઉઠી છે. તપાસ દરમિયાન મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે અન્ય વ્યક્તિઓને આ સરકારી દુકાન ચલાવવા આપી દેવાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે.
1.56 લાખનો અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાયો સરકારી નિયમોના ઉલ્લંઘન, નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાતના આરોપસર પોલીસે ભાજપ કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાન પરવાનો ધરાવતા દેવજી ત્રાડા અને રજાક પરમાર નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં કુલ રૂપિયા 1,56,859ની કિંમતનો અનાજનો જથ્થો બારોબાર વેચી દઈને ગંભીર છેતરપિંડી આચરવામાં આવી છે.
આ કેસના આરોપીઓ રાશનકાર્ડ ધારકો પાસેથી પીડીએસ પોર્ટલ માટે ઓનલાઇન અંગૂઠાનું નિશાન લઈ લેતા હતા, પરંતુ જ્યારે લાભાર્થીઓને અનાજ આપવાનું થાય ત્યારે ગેરરીતિ આચરીને તેમના હકનું પૂરું અનાજ આપવાના બદલે ઓછું અનાજ આપીને મોટા પાયે કાળાબજારી કરતા હતા.

