Gujarat

વિશ્વપ્રસિદ્ધ રૂપાલના વરદાયિની માતાના મંદિર પરિસરમાં તસ્કરોનો તરખાટ

સમગ્ર વિશ્વમાં પલ્લી ઉત્સવ માટે સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા ગાંધીનગરના રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિર પરિસરમાં તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને ભેદીને મંદિર પરિસરમાં બનેલી આ ચોરીની ઘટનાને પગલે સમગ્ર પંથકના ભક્તોમાં ભારે ચકચાર અને આક્રોશ ફાટી નીકળ્યો છે.

મુખ્ય મંદિરમાં ચોરી અસફળ રહેતા અન્ય મંદિરને ટાર્ગેટ કર્યું પ્રાપ્ત વિગતો અનુસાર, 24 મેની રાત્રિના સમયે અંદાજે 4 જેટલા તસ્કરો નદી તરફના માર્ગેથી વરદાયિની માતાના મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. આ તસ્કરોનો મુખ્ય ઈરાદો વરદાયિની માતાના મુખ્ય મંદિરમાં જ ચોરી કરવાનો હતો.

જોકે, મુખ્ય મંદિર મજબૂત લોખંડી સુરક્ષા કવચ અને ચુસ્ત લોકીંગ સિસ્ટમથી સજ્જ હોવાને કારણે તસ્કરો ત્યાં ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આથી, પોતાનો ફેરો ફોગટ ન જાય તે માટે તસ્કરોએ પરિસરમાં જ આવેલા ખોડિયાર માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું અને ત્યાં રાખેલી દાનપેટી ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા.

ચુસ્ત સુરક્ષા વચ્ચે ચોરી થતાં ભક્તોમાં રોષ વરદાયિની માતાનું આ શક્તિપીઠ દેશ-વિદેશમાં તેના ભવ્ય ઈતિહાસ માટે જાણીતું હોવાથી તેની સુરક્ષા માટે રાઉન્ડ ધ ક્લોક (24 કલાક) ખાનગી સિક્યુરિટી જવાનો તૈનાત રહે છે. આમ છતાં, તસ્કરો આ સુરક્ષા વ્યવસ્થાને પડકારીને ચોરી કરી જવામાં સફળ રહેતાં મંદિરની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે અને ભક્તોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.