Gujarat

અરવલ્લી પોલીસે ટ્રકમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં સંતાડેલો દારુ ઝડપી પાડ્યો

જીલ્લાની બાયડ પોલીસે દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સતર્કતાથી કામ કરી રહી છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો છે જેમાં, બાયડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે અલવા કંપા પાસે વહેલી તકે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને અંધારામાં રાખવા માટે ટ્રકમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો.

જીલ્લા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફથી એક ટ્રક વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે અલવા કંપા પાસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા જ તેને રોકીને તલાશી લેતા, તેમાંથી ટ્રાન્સપોર્ટના સામાનની નીચે છુપાવેલી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૩,૨૦૩ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આશરે રૂ.૫.૭૨ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે દારૂના આ મોટા જથ્થા સાથે ટ્રક ચાલક (આરોપી) ની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લોડ કરીને ગુજરાતના આંતરિક વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો. બાયડ પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને અન્ય સામાન સહિતનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.