જામનગર જિલ્લામાં કૌટુંબિક ત્રાસના કારણે નિરાધાર બનેલી એક મહિલા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઘરના સભ્યોના અસહ્ય માનસિક અત્યાચારથી કંટાળી છેલ્લા બે મહિનાથી રસ્તા પર રઝળપાટ કરવા મજબૂર બનેલી મહિલાનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડ્યું છે.
શહેરમાં એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, એક નિરાધાર બહેન છેલ્લા ઘણા સમયથી અત્યંત દયનીય અને અસુરક્ષિત સ્થિતિમાં રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. આ માહિતી મળતા જ અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં કાઉન્સેલર ઈશિતા પરમાર, મહિલા કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ અને પાયલોટ રામજીભાઈ સિયાર દ્વારા ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી હતી.
કાઉન્સેલિંગ કરતા પીડિત મહિલાએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના નાના ભાઈ સાથે રહેતા હતા. પરંતુ મોટા ભાઈ દ્વારા માતા-પિતાના ઘર અને મિલકત બાબતે અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
મોટા ભાઈના સતત અપમાનજનક વર્તન, દબાણ અને પરિવારજનોના અસહ્ય માનસિક અત્યાચારથી કંટાળીને તેઓ ઘર છોડવા મજબૂર બન્યા હતા. ખાવા કે સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા વિના રસ્તા પર જ રાત-દિવસ વિતાવતા હતા. મહિલાને રહેઠાણ મળી રહે તે હેતુથી જામનગર સ્થિત ””સખી વન સ્ટોપ સેન્ટર”” ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

