સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી ગિરનાર સોસાયટીની પાછળ વહેતી તાપી નદીમાંથી એક 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં આ મોત અકસ્માત છે કે આપઘાત, તેને લઈને રહસ્ય સર્જાયું છે.
ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો નદીમાં વૃદ્ધનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા જ કાપોદ્રા ફાયર સ્ટેશનને કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સબ ફાયર ઓફિસર દિનુ પટેલ સહિતનો ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ વૃદ્ધના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.
મૃતકની ઓળખ થઈ, સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધની ઓળખ થઈ ગઈ છે. તેઓ નાના વરાછા વિસ્તારની ગિરનાર સોસાયટીમાં જ રહેતા 85 વર્ષીય લાભુભાઈ દેવશીભાઈ રાદડિયા હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો છે.
બપોરે 2 વાગ્યે ઘરેથી નીકળ્યા અને 3:45 વાગ્યે લાશ મળી મૃતક લાભુભાઈના પરિવારજનોને આ દુખદ ઘટનાની જાણ કરવામાં આવતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, લાભુભાઈ બપોરે આશરે 2:00 વાગ્યાની આસપાસ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ત્યાર બાદ ગણતરીના સમયમાં જ એટલે કે બપોરે 3:45 કલાકે તેમનો મૃતદેહ તાપી નદીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો.

