ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પાંચ મહિના પૂર્વે એક મહિલાના ઘરે સાધુના વેશમાં આવી, માનસિક બીમારી સાજી કરવાના બહાને કેમિકલયુક્ત ગળ્યું પાણી પાઈ ₹65 હજારના સોનાના દાગીના અને ₹21 હજારની રોકડ લૂંટી ફરાર થઈ ગયેલી મહિલા આરોપી માધુરીબેન સંજયનાથ પરમારને લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) ભરતનગરના લાલા બાપા ચોક પાસેથી ઝડપી પાડી છે.
સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે પકડાયેલી આ મહિલાએ પૂછપરછમાં ગુનાની કબૂલાત આપતાં જણાવ્યું છે કે તેણે લૂંટેલા દાગીના મહુવાની સોની બજારમાં વેચી દીધા હતા. ભાવનગર ક્રાઈમ બ્રાંચે આ અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ કરીને આરોપી મહિલાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરતનગર પોલીસ મથકને સોંપી દીધી છે.
બીમાર દીકરીને સાજી કરવાનો દાવો કરી આચરી છેતરપિંડી આ ચકચારી બનાવની વિગત એવી છે કે ભરતનગર વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે સાધુના વેશમાં આવેલી અજાણી મહિલાએ માતાજીની માનતાના નામે ભિક્ષા માંગી હતી. ફરિયાદી મહિલાએ તેને ₹50 આપ્યા બાદ પોતાની દીકરી માનસિક રીતે બીમાર અને મૂંગી હોવાની વાત કરી હતી. આ સાંભળી સાધુ વેશધારી મહિલા ધૂણવા લાગી હતી અને દીકરી એક મહિનામાં બોલતી થઈ જશે તેવો દાવો કર્યો હતો.
તેણે પોતાના હાથમાં સેકરીન સુગર (કૃત્રિમ ગળપણ) લગાડીને બનાવેલું ગળ્યું પાણી ફરિયાદીને પીવડાવી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તે ફરિયાદી પાસેથી સોનાનો સેટ, બુટ્ટી-સર, બે વીંટી અને સોનાની ચેઈન-પેન્ડલ (કુલ કિંમત ₹65,000) તથા ₹21,000 રોકડા લઈને રફુચક્કર થઈ ગઈ હતી.

