દર વર્ષે 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક ઝુંબેશનો હેતુ તમાકુ ઉદ્યોગની ભ્રામક યુક્તિઓને ખુલ્લી પાડવાનો છે, જેના દ્વારા તેઓ યુવા પેઢીને આકર્ષિત કરે છે. આંકડા દર્શાવે છે કે તમાકુ ઉદ્યોગની હાનિકારક અસરોથી લાંબા ગાળે તેના લગભગ 50 % વપરાશકર્તાઓ મૃત્યુ પામે છે.
આ ગંભીર વૈશ્વિક પડકારને ધ્યાનમાં રાખીને, વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2026ના અવસરે સરકારી દંત ચિકિત્સા મહાવિદ્યાલય અને હોસ્પિટલ, જામનગરના જાહેર આરોગ્ય દંતચિકિત્સા વિભાગ દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં મૌખિક કેન્સર જાગૃતિ, મફત સ્ક્રીનિંગ અને તમાકુ નિયંત્રણ સંબંધિત વિવિધ વ્યાપક પ્રવૃત્તિઓનું આયોજન કરાયુ હતુ.
તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય અને દીર્ઘકાલીન હેતુ જિલ્લામાં તમાકુમુક્ત સમાજની સ્થાપના કરવા, તમાકુના સેવનથી થતા ભયાનક શારીરિક-માનસિક નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવા, વ્યસનગ્રસ્ત લોકોને માર્ગદર્શન આપી તમાકુ છોડવામાં સહાયરૂપ થવાનો હતો.
જામનગર જિલ્લામાં તમાકુના ઉપયોગ અને તેનાથી પેદા થયેલા ગંભીર સંકટનું અત્યંત ચિંતાજનક ચિત્ર તાજેતરના આંકડાઓ દ્વારા સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરમાં અંદાજે 37% કિશોરો કે જેમની ઉંમર માત્ર 13 થી 15 વર્ષની વચ્ચે છે અને 54% થી વધુ યુવાનો 15 થી 34 વર્ષની વયના હાલમાં સક્રિય રીતે ઓછામાં ઓછા એક પ્રકારના તમાકુ ઉત્પાદનનો નિયમિત ઉપયોગ કરે છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જામનગરમાં તમાકુ સેવન શરૂ કરવાની સરેરાશ ઉંમર માત્ર 10 વર્ષ જેટલી નીચી નોંધાઈ છે, જે દેશની રાષ્ટ્રીય સરેરાશ ઉંમર 18.7 વર્ષ કરતાં ઘણી ઓછી અને ચિંતાજનક છે.

