વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં આગામી 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ વિકાસલક્ષી અને જનહિતકારી કાર્યક્રમોની વ્યાપક શ્રેણી યોજાશે. આમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘જન કલ્યાણ શિબિર’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો તેમજ વિકાસના સંકલ્પમાં નાગરિકોની ભાગીદારી વધારવાનો છે.
આ કાર્યક્રમોના સફળ આયોજન માટે ઈણાજ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલેની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે એક આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા, જવાબદારીઓ અને વિભાગવાર કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અધિક નિવાસી કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસના લાભો સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. આ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે, જ્યાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભાર્થીઓને સ્થળ પર જ લાભો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરાશે.
જિલ્લામાં તા. 12 જૂનથી 20 જૂન દરમિયાન વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા સહિત વિવિધ તાલુકાઓમાં કુલ છ જન કલ્યાણ શિબિરો યોજાશે. આ શિબિરોમાં આયુષ્માન ભારત યોજના, વયવંદના યોજના, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, સ્વનિધિ યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
‘વિકસિત ભારત’ના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે તા. 8 જૂનથી 14 જૂન દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે. જેમાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

