ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં 40 ફૂટ ઊંડા કૂવામાં બે હરણ પડી ગયા હતા. વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ કલાકોની જહેમત બાદ બંને હરણને સુરક્ષિત બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખસેડ્યા છે.
આ ઘટના બપોરના સુમારે રામજીભાઈ લખમણભાઈ મેવાડાની વાડીમાં બની હતી. જંગલની હદને અડીને આવેલા આ ખેતીવાડી વિસ્તારમાં વન્યપ્રાણીઓ ઘણીવાર પાણીની શોધમાં કે ભટકતા ભટકતા માનવ વસાહત તરફ આવી જાય છે. આ દરમિયાન બે હરણ અકસ્માતે પાણીથી ભરેલા કૂવામાં ખાબકી ગયા હતા.

હરણોને કૂવામાં પડેલા જોઈ સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ઉના વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયા પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
સ્થાનિક વનમિત્ર ભરતભાઈ અને ગામના સાહસિક યુવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દોરડાની મદદથી ગામના યુવાનોએ જીવના જોખમે 40 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી કલાકો સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન બંને હરણને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યા હતા.

