જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક અત્યંત આઘાતજનક અને ખેડૂત વિરોધી ઘટના પ્રકાશમાં આવી છે. વંથલી-માણાવદર રોડ પર ઉબેણ નદીના પુલથી પશ્ચિમ તરફ આવેલા, લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલા બે મોટા અને મજબૂત ચેકડેમોને કોઈ અજાણ્યા તત્વો દ્વારા રાતોરાત તોડી પાડીને સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકના જગતના તાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર બાબતની જાણ થતાં જ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક અસરથી એક વિસ્તૃત પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે વહીવટી તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી ૧૦ દિવસમાં જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ રીટ પીટીશન દાખલ કરશે.
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે વંથલીના અસરગ્રસ્ત સ્થળની રૂબરૂ મુલાકાત લીધા બાદ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ખેડૂતો અને સામાજિક આગેવાનો સાથેની મુલાકાત બાદ એ સ્પષ્ટ થયું છે કે કોન્ટ્રાક્ટરો અને શાસક પક્ષના કહેવાતા મળતિયાઓ દ્વારા વંથલી-માણાવદર રોડ પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામને સસ્તું, સરળ અને વધુ ફાયદાવાળું બનાવવા માટે આ આખું ગેરકાયદેસર કૃત્ય રચવામાં આવ્યું છે.

