વિશ્વભરમાં 5મી જૂનને ‘વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે. પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વઢવાણા તળાવ ખાતે આ જ દિવસે પર્યાવરણના લીરેલીરા ઉડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડા ચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રયસ્થાન સમાન 8 જેટલા મોટા અને જૂના વૃક્ષો કાપી નાખ્યા છે.
વઢવાણા તળાવ એ માત્ર જળાશય નથી, પરંતુ દેશ-વિદેશથી આવતા હજારો યાયાવર (પ્રવાસી) પક્ષીઓ માટેનું એક સુરક્ષિત ઘર છે. જ્યારે તળાવ પાણીથી ભરાયેલું હોય છે, ત્યારે આ વૃક્ષો પક્ષીઓ માટે બેસવા, આરામ કરવા અને માળો બાંધવા માટેનો મુખ્ય સહારો બને છે હવે આ વૃક્ષો કપાઈ જતાં, આગામી ચોમાસા અને શિયાળાની ઋતુમાં આવનારા પક્ષીઓ માટે બેસવાની મોટી કટોકટી સર્જાશે.
તળાવની સુરક્ષા અને દેખરેખ માટે વન વિભાગ અને સ્થાનિક તંત્ર તૈનાત હોવા છતાં, તળાવની વચ્ચોવચ આટલા મોટા વૃક્ષો કપાઈ ગયા અને કોઈને ખબર પણ ન પડી આ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે તંત્ર સામે સવાલો ઉભા કરી રહ્યાં છે. પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છે કે, આ ગુનાહિત કૃત્ય કરનારા અસામાજિક તત્વોને ક્યારે પકડવામાં આવશે ? વઢવાણા જેવા સંવેદનશીલ પક્ષી અભયારણ્યમાં વૃક્ષોની આવી ક્રૂર કતલ તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરે છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈને કડક તપાસના આદેશ આપશે, કે પછી દર વખતની જેમ ફાઈલો બંધ કરી લાલિયાવાડી’ ચાલુ રાખવામાં આવશે પર્યાવરણ પ્રેમીઓ આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

