Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ: જ્યારે બધું રાખ બની ગયું હતું, ત્યારે FSLએ કરી 172 મૃતકોની ઓળખ

અમદાવાદમાં 12 જૂન 2025 ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ કાળજું કંપાવી દેનારી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મોટાભાગના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી એ વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર હતો. તેવા સમયે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે દિવસ-રાત એક કરીને ‘ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન’ ની અત્યંત જટિલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી અને તમામ 172 મૃતકોની ઓળખ કરી આપી હતી.

મોબાઇલ અને સ્માર્ટ ડિવાઇસના 70 ટકા ડેટા રિકવર કરાયાઃ FSLના ડાયરેક્ટર આ પડકારજનક કામગીરી અંગે વિગતો આપતાં FSLના ડાયરેક્ટર એચ.પી. સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના સ્થળેથી તપાસ ટીમને 250થી વધુ વિવિધ પ્રકારના સેમ્પલ મળ્યા હતા. જેમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ સામેલ હતા. FSLની સાયબર વિંગ આશરે 70 ટકા ડિવાઇસમાંથી સફળતાપૂર્વક ડેટા રિકવર કરવામાં સફળ રહી હતી. આ ડિજિટલ ડેટા મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમજ તેમના શોકગ્રસ્ત પરિવારજનો સુધી ત્વરિત માહિતી પહોંચાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

સળગી ગયેલા અવશેષોમાંથી DNA મેળવવો સૌથી મોટો પડકાર હતોઃ મનીષા પટેલા DNA વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મનીષા પટેલના જણાવ્યા મુજબ, 172 મૃતકોના અવશેષો સહિત કુલ 500થી વધુ નમૂનાઓ FSLને મળ્યા હતા. મોટાભાગના નમૂનાઓ અત્યંત સળગી ગયેલા અને ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત હતા. આવા નમૂનાઓમાંથી ડીએનએ મેળવવું જ એક મોટી ચેલેન્જ હતી. જોકે અગાઉના દુર્ઘટના કેસોના અનુભવના આધારે વૈજ્ઞાનિકોએ ખાસ પ્રી-ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પદ્ધતિઓ અપનાવીને સફળતાપૂર્વક ડીએનએ બહાર કાઢ્યું હતું.