માણાવદર શહેરમાં જાહેર રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે સવારે ૯ વાગ્યાથી સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ અંગે માણાવદર મામલતદાર મહેશભાઈ શુક્લ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા અગાઉ દબાણો દૂર કરવા માટે બે તબક્કામાં નોટિસો ફટકારવામાં આવી હતી. જેમાં ૨ મે ૨૦૨૬ના રોજ ૩૬ આસામીઓને અને ૧૯ મે ૨૦૨૬ના રોજ અન્ય ૨૩ આસામીઓને લેખિતમાં જાણ કરાઈ હતી. આ નોટિસ બાદ ઘણા સ્થાનિકોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લીધા છે.
જોકે, હજુ પણ જે વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો બાકી છે, તેને દૂર કરવા માટે આવતીકાલે નગરપાલિકા કચેરી, મહેસૂલ તંત્ર, આર. એન્ડ બી. વિભાગ અને સિટી સર્વે કચેરીની ટીમો સંયુક્ત રીતે કાર્યવાહી કરશે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, જાહેર રસ્તાઓ ખુલ્લા કરવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

