ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ દરમિયાન ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જોકે સત્તાવાર રીતે ઇજાગ્રસ્તોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્રની ટીમો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. આ ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

