Gujarat

જામજોધપુરમાં 3 વર્ષથી શોષણનો આરોપ, પોક્સો હેઠળ કાર્યવાહી

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામમાં એક પિતા સામે પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જામજોધપુર પોલીસ મથકે આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, પીડિતા સગીર વયની હતી ત્યારથી આરોપી પિતા દ્વારા ઘરના અન્ય સભ્યોની ગેરહાજરીમાં ધાકધમકી આપીને વારંવાર શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ફરિયાદમાં આક્ષેપ છે કે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી આરોપી પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર, પીડિતા ત્રણ મહિના પહેલા જ પુખ્ત વયમાં પ્રવેશી છે. લાંબા સમયથી ચાલતા કથિત શોષણથી કંટાળીને આખરે તેણે હિંમત દાખવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે આરોપી પિતા સામે બળાત્કાર સંબંધિત કલમો ઉપરાંત, પીડિતા સગીર વયની હતી તે સમયગાળાને ધ્યાનમાં રાખીને પોક્સો (બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ) અધિનિયમ હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે.