Gujarat

દરેડ પાસે સફેદ રંગની ઈકો કાર દેશી દારૂ ઝડપાયો

લાલપુર-જામનગર ધોરીમાર્ગ પર આવેલા દરેડ નજીક FCI ઘઉંના ગોડાઉન પાસેથી પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચકોશી ‘બી’ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન ખોડલ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સામે, FCI ગોડાઉન પાસેના ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહેલી સફેદ રંગની ઈકો કાર (નંબર: GJ-10-DJ-6938) શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી.

પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અંદાજે રૂ.1 લાખની કિંમતનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે રૂ.3 લાખની કિંમતની ઈકો કાર સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કારચાલક વિજય ડાયાભાઈ રાતડીયા (ઉંમર ૨૭ વર્ષ)ની સ્થળ પરથી ધરપકડ કરી લીધી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન નવાગામ ઘેડનો વી.ડી. કોળી નામનો શખ્સ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો બાલુ કોડીયાતર નામના શખ્સે સપ્લાય કર્યો હતો અને તે નદીમ નામના શખ્સે મંગાવ્યો હતો. પંચકોશી ‘બી’ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા ત્રણેય શખ્સો (વી.ડી. કોળી, બાલુ અને નદીમ)ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.