ગુનેગારો સામે અદાલતમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવા તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવા આધારિત પદ્ધતિથી કરવા સૂચના
સી.આઈ.ડી. ક્રાઈમ ડ્ઢય્ઁ ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના પાટનગર ગાંધીનગરની સી.આઈ.ડી. ક્રાઈમ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખાની મુલાકાત કરી બેઠક યોજી હતી.
આ મુલાકાત દરમિયાન ડો. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં તપાસ હેઠળ રહેલા વિવિધ મહત્વના અને અતિ સંવેદનશીલ ગુનાઓની ઝીણવટભરી અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે વિવિધ કેસોની તપાસમાં થયેલી પ્રગતિ, એકત્રિત કરાયેલા પુરાવાઓનું સંકલન, જટિલ નાણાકીય વ્યવહારોના વિશ્લેષણ તેમજ આરોપીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીની સઘન સમીક્ષા કરી હતી.
કેસોની તપાસ પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. કે.એલ.એન. રાવે ઉપસ્થિત અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે, ગુનેગારો સામે અદાલતમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવા તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવા આધારિત પદ્ધતિથી કરવા સૂચના આપવામાં આવી છે.
તેમણે તમામ તપાસ અધિકારીઓને દરેક કેસની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા, પારદશિર્તા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ ગુનાની ગંભીરતાને અનુરૂપ જરૂરી ઝડપી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત તેમણે ભોગ બનનાર પીડિતોને ઝડપી અને ન્યાયી પ્રક્રિયાનો લાભ મળે તે માટે વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
વર્તમાન સમયમાં આર્થિક ગુનાઓના બદલાતા સ્વરૂપ અને ડિજિટલ માધ્યમોના વધતા દુરુપયોગને ધ્યાનમાં રાખીને ડો.રાવે તપાસમાં આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોના મહત્તમ ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, આર્થિક છેતરપિંડીના કેસોમાં ઝડપી ઉકેલ માટે વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંકો સાથેના સંકલનને વધુ અસરકારક અને સક્રિય બનાવવા માટે પણ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

