જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તાવારી વેબસાઈટ પર નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટની 2015ની જૂની માહિતી જ દર્શાવવામાં આવતા વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે. કરોડો રૂપિયાના આ પ્રોજેક્ટની વાસ્તવિકતા છુપાવવા માટે આ પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. વિપક્ષનો આક્ષેપ છે કે, આજે 2026માં નરસિંહ મહેતા સરોવરની ગ્રાઉન્ડ રિયાલિટી અને વેબસાઈટ પર અપલોડ કરાયેલા ડેટામાં આકાશ પાતાળનો તફાવત જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશને વાસ્વિકતા છુપાવવા ખોટો ડેટા અપલોડ કરાયાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ અને કોર્પોરેશનને લગતી તમામ માહિતી દેશ-વિદેશના લોકોને તેમજ સરકારને સહેલાઈથી મળી રહે તેવા હેતુથી આ નવી વેબસાઇટ બનાવવામાં આવી છે. જો કે, વિરોધ પક્ષ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, શરૂઆતમાં 48 કરોડના ખર્ચે મંજૂર થયેલો નરસિંહ મહેતા તળાવનો પ્રોજેક્ટ પાછળથી વધારીને 67 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવાયો હતો.

આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને વાસ્તવિકતા છુપાવવા માટે જ કોર્પોરેશનની વેબસાઈટ પર તદ્દન અલગ, વર્ષ 2015ના જૂના નકશા અને જૂનો ડેટા મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી મળેલી રકમ પણ વેબસાઈટ પર ઓછી દર્શાવવામાં આવી હોવાના અને મૂળ ડિઝાઇનમાંથી પાર્કિંગ તથા રીંગરોડ જેવી સુવિધાઓ ગાયબ કરી દેવાઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા એ જણાવ્યું હતું કે.જૂનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને મોટી ભૂલો રાખવામાં આવી છે. જૂનાગઢ એક ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરે જાણીતી પ્રવાસન નગરી છે.
આ સંજોગોમાં મહાનગરપાલિકાની વેબસાઈટ પર શહેરના જોવાલાયક સ્થળો, ડેવલપમેન્ટ પ્લાન્ટ અને વિવિધ પ્રોજેક્ટ્સની સાચી માહિતી મૂકવી જરૂરી છે, જેથી દેશ-વિદેશના લોકો અને સ્થાનિક જનતા જાણી શકે કે જૂનાગઢમાં કયા-કયા વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, તેની પાછળ કેટલો ખર્ચ થયો છે અને કયા એન્જિનિયર દ્વારા તે કામગીરી કરવામાં આવી છે.

