Gujarat

પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે વૃદ્ધને APK ફાઇલ મોકલી, ફોન હેક કરી 39.70 લાખ ટ્રાન્સફર કરી દીધા

સાયબર ગઠીયાઓ અત્યાર સુધી RTO ચલણની APK ફાઇલ મોકલી ઠગાઈ કરતા હતા ત્યારે હવે નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી છે. જેમાં નિવૃત થયેલા વૃદ્ધને ટાર્ગેટ કરી પેન્શન વેરિફિકેશન માટેની APK ફાઇલ મોકલે છે જે ડાઉનલોડ કરાવી ફોન હેક કરાવી પૈસા પડાવે છે.

અમદાવાદના એક વૃદ્ધને પણ APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરતા જ વૃદ્ધનો ફોન હેક કરી ખાતામાંથી 39.70 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. ‘પેન્શન કાર્ડ વેરિફિકેશન ફાઈલ મોકલી છે’ ચાંદખેડામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ નિવૃત જીવન જીવે છે.વૃદ્ધને 18 જુને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર જણાવ્યું હતું કે તે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી વાત કરે છે.

પેન્શન કાર્ડ વેરિફિકેશન ફાઈલ મોકલી છે.જે ડાઉનલોડ કરી તેમાં માહિતી ભરવાની રહેશે.જે બાદ APK ફાઇલ મોકલી હતી.વૃદ્ધે તેમના ફોનમાં APK ડાઉનલોડ કરી હતી.ફાઇલ ડાઉનલોડ કરતા જ વૃદ્ધના ખાતામાંથી પૈસા ડેબિટ થવાના અને ઓટીપીના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા.

ટુકડે ટુકડે 39.70 લાખ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર થયા વૃદ્ધે તાત્કાલિક તેમના બેન્ક ઓફ ઇન્ડિયાના કસ્ટમર કેર ટોલ ફ્રી નંબર પર વાતચીત કરી તેમનું બેંક એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું.વૃદ્ધ જ્યારે બેન્ક સ્ટેટમેન્ટની તપાસ કરી ત્યારે તેમના બેંકમાંથી ટુકડે ટુકડે 39.70 લાખ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર થયા હતા.વૃદ્ધને જાણ થઈ કે તેમનો ફોન હેક કરીને અજાણ્યા વ્યક્તિએ તેમના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. વૃદ્ધે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.