અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ મથકોમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાયેલા દારૂ અને બિયરના જથ્થાના નાશ માટે વિરમગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં કુલ 61 ગુનામાં જપ્ત કરાયેલા ₹1.43 કરોડથી વધુના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં માંડલ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા 8 પ્રોહિબિશન ગુનામાં જપ્ત કરાયેલી 2,835 દારૂની બોટલો અને 347 બિયરના ટીન સહિત કુલ 3,182 નંગ મુદ્દામાલનો નિકાલ કરાયો હતો, જેની કિંમત ₹7.77 લાખથી વધુ હતી.
આ ઉપરાંત, વિઠલાપુર પોલીસ મથકના એક ગુનામાં ઝડપાયેલી 4,243 બોટલોનો ₹11 લાખથી વધુનો જથ્થો તેમજ હાંસલપુર પોલીસ મથકના એક ગુનામાં ઝડપાયેલી 10 બોટલોના મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આમ, માંડલ ટાઉન, વિઠલાપુર અને હાંસલપુર પોલીસ મથકોના કુલ 10 ગુનામાં ઝડપાયેલા ₹18.85 લાખના દારૂના જથ્થાનો કાયદેસર નિકાલ થયો.

