Gujarat

ગોધરાના છબનપુરમાં કુવામાં પડતા 20 વર્ષીય યુવકનું મોત

ગોધરા તાલુકાના છબનપુર ગામે મોડી રાત્રે એક દુર્ઘટનામાં 20 વર્ષીય યુવકનું કુવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

મૃતક યુવકની ઓળખ દેવરાજ મોહનભાઈ સંગાડા તરીકે થઈ છે. મોડી રાત્રે યુવક કોઈ અગમ્ય કારણોસર કુવામાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી યુવકને કુવામાંથી બહાર કાઢ્યો હતો.

જોકે, યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનું મોત નીપજ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.