વડોદરાના ખાસવાડી સ્મશાનનું હાલમાં સમારકામ ચાલી રહ્યું છે. કામ આગામી બેથી અઢી મહિનામાં પૂર્ણ થઇ જશે તેમ પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે પાલિકા કચેરી ખાતે પૂર્વ સાંસદ અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની વિધિ માટેનું પણ આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવશે.
80 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે, IOCL દ્વારા 7.5 કરોડ અને 7.5 કરોડની ફાળવણી ખાસવાડી સ્મશાનના સમારકામ માટે કરવામાં આવી હતી. જે અંગેનું 80 ટકા કામ પૂર્ણ થઇ છે. આગામી બે થી અઢી મહિનામાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. હાલમાં પાલિકા દ્વારા જે કામગીરી કરવાની છે તે કામગીરી શરુ કરવામાં આવી છે. હાલમાં જે તકલીફ પડી રહી છે તે ન પડે તેવા પ્રયાસો કરવામાં આવશે.
મહારાષ્ટ્રીયન સમાજની માંગ મુજબ કામગીરી કરાશે ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પીંડ વિધિ માટેની વ્યવસ્થા કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. જે અંગે પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓની માંગણીના આધારે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે. તે અંગેનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે, સમાજના લોકો સારી રીતે અંતિમવિધિ કરી શકે તેવું આયોજન કરવામાં આવશે.
સમારકામ બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તાજેતરમાં જ ખાસવાડી સ્મશાનમાં વરસાદથી ચિતાને બચાવવા માટે પતરા મુકવા પડયા હતા.ત્યારે આગામી ચોમાસામાં આ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આગામી બેથી અઢી મહિનાના સમયગાળામાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવશે એવી બાંહેધરી પૂર્વ સાંસદે આપી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, દાતાઓ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્મશાનમાં વોશ રૂમ, બાથરૂમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને કોઈ અગવડતા ન પડે.

