Gujarat

શાહપુરમાં EWS આવાસ યોજનામાં બંધ મકાનોમાં લોકોએ કબજો જમાવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી જયુપીટર મીલ કમ્પાઉન્ડ EWS આવાસ યોજનાના બંધ મકાનોના સરકારી તાળા તોડીને ગેરકાયદેસર રીતે રહેવા આવી ગયેલા તત્વો સામે એક્શન લેવાયા છે.

તંત્રએ તાત્કાલિક ધોરણે 17 જેટલા મકાનો ખાલી કરાવી ફરી સીલ મારી દીધા છે અને હવે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન શહેરમાં મચ્છરોના ઉપદ્રવ અને મલેરિયા-ડેન્ગ્યુ જેવા રોગચાળાને નાથવા માટે કમિટી દ્વારા વધુ 12 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

17 બંધ મકાનોમાં લોકો સામાન સાથે રહેવા આવી ગયા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, શાહપુરમાં જયુપીટર મિલની જગ્યામાં બનાવવામાં આવેલા EWS આવાસમાં કેટલાક લોકો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહીતી કમિટીના સભ્ય રાજેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

આ માહિતીના આધારે એસ્ટેટ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી 17 જેટલા મકાનોમાંથી ગેરકાયદે રહેતા લોકોનો સામાન બહાર કઢાવી મકાનો ખાલી કરાવ્યા હતા અને ત્યાં ફરીથી સરકારી તાળા મારી દીધા હતા. મકાનો ખાલી પડ્યા હોવાની બાતમી મળતા જ લોકોએ જાતે તાળા તોડી કબજો જમાવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ચેરમેને આ અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાવવા અધિકારીઓને કડક સૂચના આપી છે.

અગાઉ 367 મકાનોમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆતો મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઓછી આવક ધરાવતા શ્રમિકો માટે બનાવાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો મૂળ લાભાર્થીઓ દ્વારા ભાડે પધરાવી દેવાયા હોવાની ફરિયાદ અગાઉ હાઉસીંગ કમિટી સમક્ષ થઈ હતી. જે અંતર્ગત સમગ્ર શહેરમાં 5,611 આવાસોની સ્ક્રીનિંગ અને સ્થળ તપાસ કરાતા 367 મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું ખૂલ્યું હતું. આ મામલે ઓક્ટોબર-2025માં નોટિસ આપીને એસ્ટેટ વિભાગે 35 આવાસો સીલ કર્યા હતા, જોકે કોઈ અગમ્ય કારણોસર હજુ સુધી એક પણ આવાસ જપ્ત કરવામાં આવ્યું નથી.