સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક મહિલાએ અચાનક જ ભારે હંગામો મચાવ્યો હતો. માનસિક રીતે અસ્થિર જણાતી આ મહિલાએ હાથમાં પથ્થર ઉઠાવીને ત્યાંથી પસાર થતા સામાન્ય લોકો અને દર્દીઓના સગા-સંબંધીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના આ આક્રમક વલણને પગલે હોસ્પિટલ પરિસરમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
પોસ્ટમોર્ટમ રૂમ બહાર પાર્ક કરેલી શબવાહિનીના કાચ તોડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, હંગામો મચાવતી આ મહિલા દોડતી દોડતી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ બહાર પહોંચી ગઈ હતી. ત્યાં પાર્ક કરીને મૂકવામાં આવેલી એક શબવાહિની પર મહિલાએ પથ્થરમારો કર્યો હતો. મહિલાએ પથ્થર મારીને શબવાહિનીના કાચ ફોડી નાખ્યા હતા અને વાહનને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સ અને હાજર લોકો કંઈ સમજે તે પહેલાં જ મહિલાએ તોડફોડ શરૂ કરી દીધી હતી.
મહિલા માનસિક અસ્થિર હોવાની આશંકા સિવિલના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મહિલાની હરકતો અને તેની વર્તણૂક જોતા તે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક રીતે અસ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. પથ્થર હાથમાં લઈને તે ગમે તેમ બૂમો પાડી રહી હતી અને લોકોની પાછળ દોડી રહી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ નાગરિક કે દર્દીને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ સરકારી મિલકતને નુકસાન થયું છે.

