Gujarat

SMCની સમિતિઓની વરણીમાં ભારે ખેંચતાણ

સુરત મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની વરણીને લઈને રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ છે. આગામી 30 જૂનના રોજ યોજનારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ સમિતિઓના હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત થવાની છે.

અગાઉ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન જેવા મુખ્ય પદાધિકારીઓની નિમણૂકમાં આંતરિક ખેંચતાણને કારણે ઘણો વિલંબ થયો હતો, જેમાં સ્થાનિક નેતાઓને બાજુ પર રાખીને પ્રદેશ નેતૃત્વની પસંદગી જ આખરી સાબિત થઈ હતી. હવે મુખ્ય વરણીના એક મહિના બાદ અન્ય સમિતિઓ માટે રાજકીય પારો ગરમાયો છે.

સમિતિમાં અધ્યક્ષ બનવા ગાંધીનગર સુધી લોબિંગ 30 જૂનની સામાન્ય સભા બાકી રહી ગયેલા કોર્પોરેટરો માટે પ્રતિષ્ઠાની છેલ્લી તક હોવાથી દાવેદારોએ ગાંધીનગર સુધી ધામા નાખ્યા છે. મુખ્ય રેસમાંથી બાકાત રહી ગયેલા સિનિયર અને પાયાના કોર્પોરેટરો પક્ષ પ્રત્યેના પોતાના સમર્પણ અને રાજકીય વજનના આધારે પદ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક નવા ઉત્સાહી ચહેરાઓને તક આપવા માટે પણ આંતરિક લોબિંગ તેજ બન્યું છે.

સ્થાનિક ભલામણોને મહત્વ મળશે? સામાન્ય સભા પહેલાં હજુ પણ અનેક રાજકીય સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મોટો સવાલ એ છે કે શું આ વખતે પણ પ્રદેશ નેતાગીરી જ પોતાની પસંદગીના નામો થોપશે અને સ્થાનિક સંગઠને બેકફૂટ પર રહેવું પડશે, કે પછી સ્થાનિક ભલામણોને મહત્વ મળશે? આ સવાલો વચ્ચે માત્ર ભાજપના કાર્યકરો જ નહીં, પણ સમગ્ર સુરત પાલિકાના રાજકીય અને વહીવટી વર્તુળોની નજર આ બેઠક પર ટકેલી છે.