Gujarat

રિફિલિંગ સમયે શોર્ટ સર્કિટથી મોટરમાં ભડકો, ભારે અફરાતફરી વચ્ચે ફાયર બ્રિગેડે આગ બુઝાવી

વલસાડના કલ્યાણ બાગ નજીક આવેલા લક્ષ્મી પેટ્રોલિયમ (પેટ્રોલ પંપ) પર ગત રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. પેટ્રોલ પંપ પર ટેન્કરમાંથી અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ રિફિલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક રિફિલિંગ માટે મુકવામાં આવેલી મોટરમાં શોર્ટસર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ પંપ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આગ લાગતા જ ત્યાં હાજર કર્મચારીઓ અને લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

​ફાયર સ્ટેશન સામે જ હોવાથી ટીમ તત્કાલ મદદે દોડી ​આગ લાગતા જ પેટ્રોલ પંપના સતર્ક કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી હતી. પેટ્રોલ પંપની બિલકુલ સામે જ વલસાડ નગરપાલિકાનું ફાયર સ્ટેશન આવેલું હોવાથી, કર્મચારીઓ તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ પાસે દોડી ગયા હતા અને ઘટનાની જાણ કરી હતી.

ફાયર અધિકારી લલિત પરમાર અને તેમની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ABC ફાયર એક્સ્ટિંગ્યુસર (અગ્નિશામક સિલિન્ડર) અને ફાયર ફાઈટરની ગાડી સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જો ફાયર બ્રિગેડની ટીમ સમયસર ન પહોંચી હોત, તો પેટ્રોલ પંપ પર મોટો બ્લાસ્ટ થઈ શકત અને મોટી જાનમાલની નુકસાની વેઠવાનો વારો આવ્યો હોત. ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે.