Gujarat

બીલીમોરામાં પ્રથમ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં લાંબા ઉકળાટ બાદ આજે વરસાદી માહોલ જામ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આ પ્રથમ વરસાદ સાથે જ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

શહેરમાં પવન ફૂંકાવાની સાથે જ ગોહરબાગ, સ્ટેશન રોડ, ડેપો રોડ અને કોલેજ રોડ સહિતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણતરીના સમયમાં પડેલા વરસાદી ઝાપટાંને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું.

ખાસ કરીને બીલીમોરાના ગોહરબાગ વિસ્તાર પાસે ભારે માત્રામાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વાહનો બંધ પડી જવાના ડર વચ્ચે પણ કામ અર્થે નીકળેલા લોકો પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની આ સમસ્યાથી લોકો પરેશાન છે.