Gujarat

પદયાત્રી વૃદ્વના અડધા લાખની ચોરી આચરનારી ત્રિપૂટી પકડાઈ

જામનગર નજીક બેડ પાસે પદયાત્રી વૃદ્વની સાયકલરમાંથી રોકડ રકમ સહિતન થેલાની તસ્કરી પ્રકરણનો ભેદ સ્થાનિક ગુના શોધક શાખાએ ઉકેલી નાખ્યો છે જેમાં પોલીસે એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ત્રણ શખસોને દબોચી લીઘા હતા.પોલીસે રૂા. 56 હજારની રોકડ ઉપરાંત ચોરીમાં વપરાયેલુ બાઇક સહિત રૂા. 1.06 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

રાજસ્થાના અસાડા ગામના વતની સકારામજી મંગનાથજી ચૌહાણ નામના વૃદ્વ પદયાત્રી સાયકલ સાથે દંડવત યાત્રા સાથે ભગવાન દ્વારકાધીશજીના દર્શનાર્થે નિકળ્યા હતા જે બાદ તેઓ બેડ ગામ નજીક ટોલનાકા પાસે મંદિર સામે ત્રણ પૈંડાવાળી સાયકલ પાર્ક કરી હતી જે દરમિયાન કોઇ અજાણ્યા ત્રણેક શખસો રોકડ રકમ સાથેનો થેલો ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો.

જેમાં તપાસ દરમિયાન પોલીસે ઉદલ કનૈયાભાઇ પરમાર(રે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ,જામનગર), ભરત માલાભાઇ ઉર્ફે જગમલભાઇ રાઠોડ (રે. મારવાડી ઢાળીયો, સાધના કોલોની)ઉપરાંત એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ત્રણને સકંજામાં લીઘા હતા.પોલીસે પકડાયેલા શખસોના કબજામાંથી રૂા. 56,050ની રોકડ રકમ ઉપરાંત ચોરીમાં વપરાયેલુ બાઇક સહિત રૂા. 1.06 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.