Gujarat

અમદાવાદમાં મોઢું ધોવા આવેલા યુવકને ટોકતા બબાલ થઈ, થોડીવાર પછી પાછા આવી છરી મારી દીધી

અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોની પાસે મોડી રાત્રે મોઢું ધોવા માટે પાણીના પીપળાનું ઢાંકણું નીચે નાખી દેવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકના ઘરની બહાર અન્ય યુવક મોઢું ધોવા માટે આવ્યો ત્યારે પીપના ઢાંકણાને નીચે નાખી દેવાનો અવાજ આવ્યો હતો. જેને લઇને બોલાચાલી થઈ હતી.

ત્યારબાદ આરોપીએ મૃતકને છરી મારી દીધી હતી. જેના કારણે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. અમરાઈવાડી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પાણીના પીપનું ઢાંકણું નીચે નાખી દેતા ટોક્યો હતો મળતી માહિતી મુજબ અમરાઇવાડીના રબારી કોલોની પાસે વાઘજીભાઈ એસ્ટેટમાં સંગીતાબેન ચૌહાણ તેમના પતિ અને આઠ મહિનાના બાળક સાથે રહે છે. રાત્રિના સમયે ઘરની બહાર કંઈક અવાજ આવ્યો હતો જેથી બંને પતિ-પત્ની ઘરની બહાર આવ્યા હતા.

ત્યારે પાંચેક જેટલા છોકરાઓ ઘરની આગળ ઊભા હતા. જેમાં 19થી 20 વર્ષની ઉંમરનો એક છોકરો જે અગાઉ ત્યાં દુકાન પાસે બેસતો હતો તેને સંગીતાબેન ઓળખતા હતા. યુવકે તેમના ઘરની આગળ રાખેલા પાણીના પીપમાં હાથ નાખીને મોઢું ધોતો હતો અને ઢાંકણું નીચે નાખી દીધું હતું જેથી સંગીતાબેનના પતિ કિશનભાઇએ તેને ટોક્યો હતો.