Gujarat

7 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી વડોદરા-દાહોદ મેમુ નહીં દોડે

પૂર્વ તટીય રેલવેના પુરી ખાતે આગામી 7 જુલાઈ, 2026થી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા તથા વધારાના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન તરફથી માંગણી મુજબ એક મેમુ રેક મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેનની સેવાઓ કામચલાઉ ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

7 જુલાઈથી 26 દિવસ દાહોદ-વડોદરા મેમુ ટ્રેન દોડશે નહીં વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, દાહોદ અને વડોદરા વચ્ચે દોડતી આ મેમુ ટ્રેનના રેકને પૂર્વ તટીય રેલવે ખાતે મોકલવામાં આવી રહ્યો છે. આ વહીવટી કારણોસર 7 જુલાઈથી આગામી 26 દિવસ સુધી આ રૂટ પરની ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત રહેશે.

અપડાઉન કરનારને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે આ અસ્થાઈ ફેરફાર હેઠળ ટ્રેન સંખ્યા 69233/69234 વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેન 7, જુલાઈથી 02 ઓગસ્ટ, 2026 સુધી દોડશે નહીં. આ સમયગાળા દરમિયાન વડોદરા અને દાહોદ વચ્ચે દૈનિક અપ-ડાઉન કરતા સ્થાનિક મુસાફરો, નોકરિયાતો અને વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે.