જામનગર શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ઐતિહાસિક અને વર્ષો જૂની ગીતા લોજ બિલ્ડીંગ આખરે ઈતિહાસના પાનાઓમાં સમેટાઈ ગઈ છે. છેલ્લા વર્ષોથી આ ઈમારત સાવ જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ચૂકી હતી. બિલ્ડીંગ એટલી હદે જોખમી બની ગઈ હતી કે સમયાંતરે તેના ધાબા અને દીવાલોમાંથી સિમેન્ટના પોપડા ખરી પડતા હતા, જેને પગલે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પર સતત મોતનું જોખમ તોળાતું રહેતું હતું. આ ગંભીર અને ભયજનક પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર મહાનગરપાલિકા (જામ્યુકો) તંત્ર દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી બિલ્ડીંગને ખાલી કરવા અને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે નોટિસો આપવામાં આવી રહી હતી.
જોકે, ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ આ બિલ્ડીંગની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી અને તે ગમે ત્યારે ધડાકાભેર ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા છેલ્લા પંદરેક દિવસથી બિલ્ડીંગને તોડી પાડવા માટેની કામગીરી ચાલી રહી હતી જે અંતર્ગત આજે રવિવારના રજાના દિવસે હીટાચી મશીનો અને ચુસ્ત મ્યુનિસિપલ સ્ટાફના કાફલા સાથે ગીતા લોજની જોખમી ઈમારતને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. આ સફળ ડીમોલીશનની કામગીરીથી સ્થાનિક રહીશો અને વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે અને સંભવિત મોટી દુર્ઘટના ટળી છે.

