Gujarat

ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પર્યાવરણવિદોનું મહાસંમેલન

​નવાનગર નેચર ક્લબ, જામનગર દ્વારા ગુજરાતની અમૂલ્ય પ્રાકૃતિક ધરોહર એવા ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ તેમજ રાજ્યના જંગલો, વન્યજીવો અને પર્યાવરણના હિત સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને “ગીર રક્ષિત વિસ્તારો અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન–2026” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાના સંમેલનમાં ગુજરાતભરના પ્રકૃતિ મંડળો, પર્યાવરણ સંસ્થાઓ, વન્યજીવ નિષ્ણાતો, પર્યાવરણવિદો, સંશોધકો, પ્રકૃતિપ્રેમીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનનો મુખ્ય હેતુ પ્રકૃતિ, જંગલો, વન્યજીવો અને પર્યાવરણના દીર્ઘકાલીન હિતમાં સંવાદ, સંકલન અને સહયોગ દ્વારા અસરકારક ઉકેલો શોધવાનો છે. આ ઉપરાંત ગુજરાતમાં પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓની રાજ્યવ્યાપી ડિરેક્ટરી તૈયાર કરવા તેમજ એક કોમન પ્લેટફોર્મની રચના અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

વન મંત્રી અને સચિવની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરાશે ​નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જામનગર અને સાસણમાં કેટલાંક સમયથી સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની ઘણીબધી સમસ્યાઓ જેવી કે ગેરકાયદેસર રિસોર્ટ અને જમીન ફાળવણી મોટા પાયે ચાલી રહી છે. આ સમસ્યાના સમાધાન માટે આજે સમગ્ર ગુજરાતના પ્રકૃતિ મંડળોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તમામ સંસ્થાઓ વતી સરકારના આ નિર્ણયો પાછા ખેંચવા માટે આવેદનપત્ર આપવામાં આવશે તેમજ વન મંત્રી અને સચિવની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરાશે.