સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહનચોરીના વધતા બનાવોને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે પલસાણા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલી ઓટો રિક્ષાનો ભેદ ઉકેલી એક કુખ્યાત વાહનચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
SOG શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આંબોલી ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર આવેલી ગીરનાર કાઠીયાવાડી હોટલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી ઈમરાન ઉર્ફે બીડી અમીન કડોડીયાને ઝડપી લેવાયો હતો. તેની તલાશી લેતા કબ્જામાંથી બજાજ કંપનીની ગ્રીન કલરની ચોરીની ઓટો રિક્ષા (નંબર GJ-05-DT-1945) મળી આવી હતી. આરોપી ઈમરાન મૂળ કઠોર ગામનો વતની છે અને હાલ ડીંડોલી વિસ્તારમાં રહે છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી ઈમરાન ઉર્ફે બીડી રીઢો ગુનેગાર છે. તેની સામે સુરત શહેર અને ગ્રામ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, છેતરપિંડી અને મારામારી સહિતના આશરે 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે કામરેજ, કડોદરા, લાલગેટ, સરથાણા, મકરપૂરા, પાંડેસરા અને વરાછા જેવા અનેક પોલીસ સ્ટેશનોના ચોપડે ચડી ચૂક્યો છે.

