Gujarat

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે સર્જી તારાજી!!

ભાવનગરના જેસર પંથકમાં પડેલા મુશળધાર વરસાદને લીધે ૩ મકાનોની દીવાલો ધરાશાયી

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં, ૩ મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ છે. તાતણીયા ગામે બે મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે જ્યારે બીલા ગામે પણ એક મકાન ધરાશાયી થયું છે.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઘરવખરીને ભારે નુકસાન થવાના કારણે અસરગ્રસ્ત પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિને જાેતા તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

તો બીજી તરફ ભાવનગરના ગારીયાધાર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ગારીયાધાર શહેર સહિત વીરડી, મોરબા, બેલા અને વેળાવદર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ૨થી લઈને આશરે ૭ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે.આ આકાશી આફતના પગલે સ્થાનિક નદીઓ, તળાવો અને ચેકડેમોમાં પાણીની ભારે આવક થઈ છે.જેના કારણે જળાશયો છલકાયા છે.રોડ-રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહાર અને લોકોની અવરજવર પર વ્યાપક અસર પડી છે.

ભારે પવન અને વાવાઝોડા જેવા વરસાદી માહોલના કારણે ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.વીજળીના થાંભલા ધરાશાયી થઈ જવાને કારણે આસપાસના ૬ જેટલા ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ૧૨ કલાક કરતાં પણ વધુ સમયથી વીજળી ગુલ હોવાના કારણે તેઓ અંધારપટમાં જીવવા મજબૂર બન્યા છે જેના લીધે ચોમાસાની આ સિઝનમાં સ્થાનિકોની હાલાકીમાં ઓર વધારો થયો છે.