મેંદરડા : પૂજ્ય મુક્તાનંદ બાપુનો અનોખો સેવા યજ્ઞ: 5000 નિરાધાર વૃદ્ધોને રોજ ઘરેબેઠા ગરમ ટિફિન સેવા,
ચોમાસાને ધ્યાને રાખીને વૃદ્ધોને સાડી-કપડાં,છત્રી મ,રિચાર્જેબલ ટોર્ચ સાથેની વિશેષ કીટનું કરાયું વિતરણ
“માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પરમ સૂત્રને સાર્થક કરતા જાણીતા સંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ વૃદ્ધો માટે એક પ્રેરણાદાયી સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. પૂજ્ય બાપુ દ્વારા સ્થાપિત ‘હેલ્થ એઇડ ટ્રસ્ટ’ સંચાલિત જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને મંદબુદ્ધિના બાળકોની શાળા જેવા અનેકવિધ સામાજિક કાર્યોની સાથે હવે આ અનોખી ટિફિન અને કીટ વિતરણ સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
5,000 નિરાધાર વૃદ્ધોને ઘરે-ઘરે પૌષ્ટિક ભોજન :
કોઈપણ નિરાધાર વૃદ્ધ ભૂખ્યો ન સૂવે તેવા ઉમદા હેતુ સાથે પૂજ્ય મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ એક વિશાળ નેટવર્ક કાર્યરત છે. જેમાં ચાપરડા, બીલખા, જૂનાગઢ, ગુપ્તપ્રયાગ, મેંદરડા, આધોય (કચ્છ) અને જામખંભાળિયા સહિતના આશ્રમો મારફતે આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રોજ 4,000 થી 5,000 જેટલા લાભાર્થી વૃદ્ધોને તેમના ઘરે જઈને ગરમ અને પૌષ્ટિક ટિફિન પહોંચાડવામાં આવે છે.
ચોમાસાની ઋતુને ધ્યાને રાખી વિશેષ કીટનું વિતરણ:
હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નિરાધાર વૃદ્ધોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂજ્ય બાપુની પ્રેરણાથી તમામ લાભાર્થીઓને એક ખાસ ચોમાસા કીટ અર્પણ કરવામાં આવી છે. આ કીટમાં જીવન જરૂરિયાતની નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ કરાયો છે:
મહિલાઓ માટે: સુંદર સાડી
પુરુષો માટે: કપડાની આખી જોડી
સુરક્ષા માટે: મજબૂત છત્રી
પ્રકાશ માટે: ખાસ રિચાર્જ થઈ શકે તેવી બેટરીવાળી ટોર્ચ (બત્તી)
મુખ્ય હેતુ:
ચોમાસા દરમિયાન ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ કે વીજળી ગુલ થવાના સમયે અંધારામાં એકલા રહેતા વૃદ્ધોને કોઈ તકલીફ કે અકસ્માત ન નડે તે માટે આ રિચાર્જેબલ બત્તી ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે.
બાપુના આ માનવતાવાદી અભિગમ અને સંવેદનશીલતાની સમગ્ર જૂનાગઢ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે સરાહના થઈ રહી છે.
રીપોર્ટ : કમલેશ મહેતા, મેંદરડા






