મેંદરડા : પંથકમાં મેઘમહેર થતાં વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ:
ધરતી માતાનું પૂજન કરી ખેડૂતો એ મગફળી સોયાબીન અડદ વગેરે ના વાવેતરના શ્રીગણેશ કર્યા
મેંદરડા અને તેની આજુબાજુના સમગ્ર પંથકમાં ચાલુ સીઝનનો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ અંતે વાવણીલાયક સાર્વત્રિક વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વહેલી સવારથી જ ભારે ચહલપહલ અને રોનક જોવા મળી રહી છે.
સ્થાનિક ખેડૂત પુત્ર પરસોતમ ભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર, મેંદરડા સહિત સમગ્ર તાલુકામાં વાવણીજોગ વરસાદ થતાં ખેડૂત પરિવારોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ આપણી પરંપરા મુજબ ખેતરોમાં જઈને ધરતી માતાનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું. ત્યારબાદ કુમકુમના ચાંદલા કરી અને સાથીયા પૂરીને નવા વર્ષના ખરીફ પાકના વાવેતરની મંગલ શરૂઆત કરી હતી.
ચાલુ વર્ષે અનુકૂળ વરસાદને પગલે ખેડૂતોએ મુખ્યત્વે મગફળી, સોયાબીન અને અડદ જેવા રોકડીયા પાકોનું વાવેતર પૂરજોશમાં હાથ ધર્યું છે. સમયસર વરસેલા આ વરસાદથી કૃષિ કાર્યોને બળ મળ્યું છે.
ચોમાસાના શાનદાર પ્રારંભથી ઉત્સાહિત ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે, આ વર્ષે પાકમાં રોગચાળો તેમજ જીવાતોનો ઉપદ્રવ ઓછો રહેશે, જેના કારણે પાકનું ઉત્પાદન ઘણું સારું મળશે. આ સાથે જ, આગામી સમયમાં બજારમાં પણ પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહેશે તેવી આશા સાથે ધરતીપુત્રો પોતાની કાળી મજૂરીનું યોગ્ય વળતર મળવાની આશા સેવી રહ્યા છે.
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા





