નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ધ્રોલ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ – કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ કેમ્પ યોજાયો હતો. સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા.

આ કેમ્પ ‘રક્તદાન કરી જીવનદાતા બનવાના’ સંકલ્પ સાથે યોજાયો હતો. સમાજના યુવાનો, દાતાઓ અને વિવિધ સંસ્થાઓના કાર્યકરોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન પૂરું પાડ્યું હતું.
આ કેમ્પનું સૌજન્ય જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને પટેલ ભાણજી ભીમજી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ લીંબાસીયા, માર્કેટિંગ યાર્ડ ધ્રોલના પૂર્વ પ્રમુખ રસિકભાઈ ભંડેરી, કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, ગારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિજયભાઈ સોજિત્રા, શેઠ માધ્યમિક શાળાના આચાર્યા મમતાબેન અજુડિયા સહિત અનેક અગ્રણીઓ અને કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

