ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા તિલકનગરમાં જમવા બાબતે થયેલી જૂની માથાકૂટની અદાવત રાખીને પાંચ શખ્સોએ એક યુવાન પર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે શહેરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘોઘા રોડ પોલીસે આ મામલે પાંચેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાતો કરવાના બહાને બોલાવી ઘેરી લીધો ઘોઘા રોડ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, તિલકનગરના આડોડીયાવાસમાં રહેતા નિતેશ બિપિનભાઈ રાઠોડ ગત 10 જુલાઈના રોજ બપોરે મેલડી માતાના મંદિર પાસે બેઠા હતા. ત્યારે વિકાસ મકવાણા નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને ‘કામ છે’ તેમ કહી નિતેશને બાઇક પર બેસાડી તિલકનગર આંગણવાડી પાસે લઈ ગયો હતો. ત્યાં અગાઉથી જ હાજર આકાશ, મેહુલ અને અમૃતે અગાઉ જમવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી નિતેશને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.
છરી અને લોખંડના પાઇપથી આડેધડ ઘા ઝીંક્યા નિતેશે ગાળો બોલવાની ના પાડતા તમામ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી-પાઇપથી તૂટી પડ્યા હતા. હુમલામાં વિકાસે લોખંડના પાઇપ વડે નિતેશની પીઠના ભાગે ફટકા માર્યા હતા, જ્યારે મેહુલે છરી વડે કપાળના ભાગે ઘા ઝીંક્યો હતો. આ ઉપરાંત અમૃતે પણ છરી વડે ડાબા ગાલ પર અને પીઠ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અમૃતનો ભાઈ હકો પણ ત્યાં ધસી આવ્યો હતો અને તેણે પણ નિતેશને માર મારી, “હવે પછી હોશિયારી કરીશ તો જીવતો નહીં રહેવા દઈએ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

