આગામી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાપી ટાઉન પોલીસના નેતૃત્વમાં યોજાયેલા આ ઓપરેશન દરમિયાન પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તાર પર હવાઈ નજર રાખવામાં આવી હતી.
રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી વાપી ટાઉન પોલીસની ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કર્યું હતું. પોલીસની વિવિધ ટીમોએ શંકાસ્પદ સ્થળો, ગલીઓ અને વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.
આ કોમ્બિંગની સૌથી વિશેષ બાબત એ રહી કે પ્રથમ વખત ડ્રોનની મદદથી વિસ્તારનું એરિયલ સર્વેલન્સ કરવામાં આવ્યું. ડ્રોન મારફતે સાંકડી ગલીઓ, મકાનોના ધાબા અને અન્ય સ્થળો પર પણ અસરકારક રીતે નજર રાખવામાં આવી, જેનાથી પોલીસને વધુ સચોટ દેખરેખ રાખવામાં મદદ મળી.
આ પોલીસ ઓપરેશનથી અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો પર દબાણ વધ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, રથયાત્રા સુધી આવા ફ્લેગ માર્ચ, કોમ્બિંગ અને ચેકિંગ જેવા સુરક્ષા પગલાં સતત ચાલુ રહેશે, જેથી નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકે.

