Gujarat

માણાવદર લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોએ શપથ લીધા

માણાવદર શહેરમાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ માણાવદર સંચાલિત ‘લાયન્સ પ્રાયમરી સ્કૂલ’ના સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે શાળાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ લાયન્સ ક્લબ માણાવદરના વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા વરાયેલા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો હતો.

પ્રવીણભાઈ નાદપરાએ લાયન્સ ક્લબ માણાવદરના નવનિયુક્ત પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શાળાના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે ક્લબના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી વિશિષ્ટ અને જનઉપયોગી સામાજિક પ્રવૃત્તિઓ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

પ્રમુખ પ્રવીણભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ ક્લબના તમામ સભ્યોને સાથે રાખીને, પરસ્પર તાલમેલ સાધીને તેમજ સંસ્થાના વડીલોના માન-સન્માન જળવાઈ રહે તે રીતે તન, મનથી લાયન્સ ક્લબ માણાવદરના માધ્યમથી સમાજ સેવા કરવા માટે કટિબદ્ધ છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંસ્થાના નવનિયુક્ત ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ચિરાગ પટેલે ક્લબ દ્વારા વર્ષોથી ચાલતી કાયમી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લાયન્સ ક્લબ માણાવદર વર્ષોથી શિક્ષણ (એજ્યુકેશન) અને નેત્ર સારવાર પ્રવૃત્તિ (“સાઇટ ફર્સ્ટ”) જેવા મહત્વના ક્ષેત્રોને પોતાના કાયમી પ્રોજેક્ટ તરીકે ચલાવી રહી છે.

આરોગ્ય ક્ષેત્રે સંસ્થાના પ્રદાન અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે નિયમિતપણે આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકોને નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

આ ઉપરાંત, ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આખા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક સગવડો પૂરી પાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે અવેરનેસ પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે.