Gujarat

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ વધતા લોકોમાં ચિંતા નો માહોલ!

પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના ૧૩ શંકાસ્પદ કેસ

સાબરકાંઠા બાદ હવે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસમાં વધુ ૧ બાળકનું મોત

છેલ્લા ૮ દિવસથી પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૩ બાળકોને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાંથી પંચમહાલ જિલ્લાના ૧૧ અને મહીસાગર જિલ્લાના ૨ દર્દીઓનો સમાવેશ થાય છે. ચાંદીપુરા પોઝિટિવ ધરાવતા ૨ બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. તેમજ અન્ય ૧ બાળ દર્દીનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૩ થયો છે. ૧૩ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્યની ટીમે ૨૪ જેટલાં ગામોમાં સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરી છે.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૩ બાળકોમાંથી ૩ના મોત થયા છે. જ્યારે ૨ બાળકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ અન્ય ૬ બાળ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દાખલ બાળકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિને પગલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ગત વર્ષે ચાંદીપુરા વાયરસના કેસો મળ્યા એ ગામ મળી સંભવિત કુલ ૨૪ ગામોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને દવા છંટકાવ, તેમજ કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વેલન્સ દરમિયાન તંત્ર દ્વારા ૪૫૦થી વધુ સેન્ડફ્લાય માખીઓ પણ પકડવામાં આવી છે.

આરોગ્ય વિભાગના નાયબ નિયામક સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે-

‘ચાંદીપુરા વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં ટોટલ ૧૩ કેસ રિપોર્ટ થયા છે. જેમાંથી ૨ પોઝિટિવ છે અને ૬ના રિઝલ્ટ પેન્ડિંગ. જ્યારે બે કેસ સાજા થતાં ઘેર મોકલવામાં આવ્યા છે. ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા હતા એ જગ્યાએ સર્વેલન્સ સ્ટ્રેન્થન, ડસ્ટિંગ, સ્પ્રેઇંગ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને તમામ મેડિકલ ઓફિસરને સૂચનાઓ આપવામાં આવી છે કે, તેઓ સસ્પેક્ટેડ કેસ મળે તો તાત્કાલિક તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલે. તેમજ જાે કોઈ બાળકને તાવ, માથાનો દુખાવો, ઊલટી વગેરે થતું હોય તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવા.‘

ગોધરા તાલુકાના મણીપુર ગામના એક બાળકનું મૃત્યુ થતાં જિલ્લામાં આ ઘાતક વાઇરસથી અત્યાર સુધીમાં કુલ ૩ બાળકોના મોત થઈ ચૂક્યા છે. દર વર્ષે આ જીવલેણ વાઇરસના કેસો સામે આવવા છતાં આરોગ્ય વિભાગ કોઈ નક્કર એક્શન પ્લાન બનાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જાેવા મળી રહ્યો છે.

આ બાબતે મીડિયા સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના મણીપુર ગામના એક માસૂમ બાળકને પ્રાથમિક ધોરણે અચાનક તીવ્ર તાવ સાથે ખેંચ(આંચકી) આવવાની શરૂઆત થઈ હતી. બાળકની તબિયત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક ગોધરાની સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જાેકે, બાળકની ગંભીર સ્થિતિને જાેતા સિવિલના તબીબોએ તેને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદની હૉસ્પિટલમાં રીફર કર્યો હતો. પરંતુ કમનસીબે, અમદાવાદ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ માસૂમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા, જેથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ ત્રીજા મોતના પગલે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસાની આસપાસ ચાંદીપુરા વાઇરસ માથું ઊંચકતો હોવા છતાં આરોગ્ય તંત્ર આગોતરા પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્રીજા બાળકના મોત બાદ દોડતા થયેલા આરોગ્ય વિભાગે મણીપુર અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટીમો ઉતારી દીધી છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘેર-ઘેર જઈને સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને પાવડર તેમજ દવાનો છંટકાવ કરવાની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી છે.

તબીબોના મતે, આ વાઇરસ ખાસ કરીને કાચા મકાનોની દીવાલોની તિરાડોમાં જાેવા મળતી સેન્ડ ફ્લાય (રેતીની માખી) કરડવાથી ફેલાય છે અને તે ૧૪ વર્ષ સુધીના બાળકોને વધુ નિશાન બનાવે છે. જાે બાળકને અચાનક તીવ્ર તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જરૂરી છે.