સુરત મનપા. ના ૧૮ આરોગ્ય કેમ્પોમાં ૩ દિવસમાં ૪૦૦૦ લોકોની તપાસ કરાઈ, જેમાં ૮૨૫ને ચામડીના રોગ અને ઝાડા-ઉલટીની સારવાર અપાઈ
ડાયમંડ સીટી સુરતમાં ગયા અઠવાડિયે વરસેલા અતિ ભારે વરસાદ બાદ ખાડી પૂરના પાણી ઓસર્યા છે પણ હવે તેની આરોગ્ય પર આડઅસર સામે આવવા લાગી છે. પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં શરૂ કરાયેલા ૧૮ આરોગ્ય કેમ્પોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અંદાજે ચાર હજાર નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ૮૨૫ લોકોને ચામડીના રોગની સારવાર આપવી પડી છે, જ્યારે તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસ પણ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રોગચાળો ફેલાતો અટકાવવા માટે પાલિકા દ્વારા મેડિકલ કેમ્પ આગામી શનિવાર સુધી ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરની વિકટ પરિસ્થિતિ બાદ હવે આરોગ્ય સંબંધિત ચિંતા વધવા લાગી છે. પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી, કાદવ અને દૂષિત પાણીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ચામડીના રોગના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં શરૂ કરાયેલા આરોગ્ય કેમ્પોમાં અત્યાર સુધી સારવાર માટે આવેલા દર્દીઓમાં સૌથી વધુ ચર્મરોગના દર્દીઓ નોંધાયા છે. પૂરની સ્થિતિ સામાન્ય બન્યા બાદ પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપી છે. નાગરિકોને હૉસ્પિટલ સુધી જવાની જરૂર ન પડે અને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૧ જુલાઈથી શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
પાલિકા દ્વારા અઠવા ઝોનમાં એક, ઉધના ઝોન-એમાં પાંચ, વરાછા ઝોન-એમાં ત્રણ, સરથાણા ઝોનમાં બે અને લિંબાયત ઝોનમાં ચાર સહિત કુલ ૧૮ સ્થળે મેડિકલ કેમ્પ કાર્યરત છે. આ કેમ્પમાં મેડિકલ ઑફિસર, ચર્મ રોગ નિષ્ણાત, લેબ ટેક્નિશ્યન અને અન્ય આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા નાગરિકોની તપાસ કરીને જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. ૧૧ જુલાઈથી રવિવારે બપોર સુધીમાં અંદાજે ચાર હજાર નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ૮૨૫ દર્દીઓને ચામડીના રોગની સારવાર આપવામાં આવી હતી, જે પૂર બાદ આરોગ્ય માટે ઊભા થયેલા સૌથી મોટા પડકાર તરીકે સામે આવ્યું છે. ઉપરાંત ૩૫૭ લોકોને તાવ, ૨૬૪ લોકોને સામાન્ય ઝાડા અને ૮૨ લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ નોંધાઈ હતી. અન્ય વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યા ધરાવતા અંદાજે બે હજાર જેટલા દર્દીઓને પણ સારવાર આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન ગંભીર હાલતમાં જણાયેલા ૧૪ દર્દીઓને વધુ સારવાર માટે હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે ઓઆરએસના પેકેટનું વિતરણ, સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને રોગચાળો અટકાવવા માટે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં ચામડીનો ચેપ, તાવ અને પાણીજન્ય રોગોને ધ્યાનમાં રાખીને સતત આરોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ કરાયેલા તમામ મેડિકલ કેમ્પ આગામી શનિવાર સુધી કાર્યરત રહેશે.

