Gujarat

જલાલપોર પોલીસે ગુપ્ત બાતમી આધારે વિજલપોરથી અટકાયત કરી

નવસારી જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા પોલીસ સક્રિય બની છે. જલાલપોર પોલીસે બે અલગ-અલગ ચોરીના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને વિજલપોર ખાતેથી ઝડપી પાડી છે. પોલીસને ગુપ્ત બાતમીના આધારે આ સફળતા મળી હતી.

અગાઉ 2ની ધરપકડ, આ મહિલા ફરાર હતી ગત 2 જુલાઈ, 2026ના રોજ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 303(2) તથા 54 મુજબ ચોરીના બે ગુના દાખલ થયા હતા. આ ગુનાઓમાં પોલીસે અગાઉ એક મહિલા અને એક પુરુષ આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ એક અન્ય મહિલા આરોપી ફરાર હતી.

વિજલપોર ખાતે પોતાના ઘરે હોવાની પોલીસને બાતમી મળી ફરાર મહિલા આરોપીને પકડવા માટે જલાલપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.જી. રાઠોડની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન એ.એસ.આઈ. રાકેશભાઈ શ્રીરામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ ચંદુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, વોન્ટેડ મહિલા આરોપી વિજલપોર ખાતે પોતાના ઘરે હાજર છે.

આ બાતમીના આધારે જલાલપોર પોલીસે મહિલા પોલીસ સ્ટાફ સાથે વિજલપોરના નેહરુનગરમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી વોન્ટેડ મહિલા આરોપી અનિતાબેન દિલીપભાઈ બાસ્કરભાઈ બનકર મળી આવી હતી. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેણે બંને ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.

પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલ આરોપી અનિતાબેન બનકર ગુંદરડી ફળિયું, મારુતિનગર સ્કૂલની પાસે, નેહરુનગર, વિજલપોરની રહેવાસી છે અને મૂળ મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લાના લોની ગામની છે. પોલીસે તેની સત્તાવાર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.