વડોદરાના બાપોદ વિસ્તારમાં પારિવારિક તણાવથી કંટાળેલી પરિણીતાએ નેશનલ હાઇવે પર પહોંચી આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. જોકે, અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર સ્થળ પર પહોંચી મહિલાને સુરક્ષિત બચાવી કાઉન્સેલિંગ કર્યું હતું. માસી સાસુના પુત્રએ દારૂના નશામાં મહિલા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાની રજૂઆતના આધારે તેને કાયદેસરની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી.
પતિ, સાસુના અપમાનજનક વર્તનથી કંટાળી ગઈ અભયમ મહિલા હેલ્પલાઇનને મળેલી માહિતીના આધારે અભયમની ટીમ બાપોદ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં પરિણીતા નેશનલ હાઇવે પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. અભયમની ટીમે તાત્કાલિક તેને રોકીને મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તેના પ્રેમલગ્નને 12 વર્ષ થયા છે અને તેને બે દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી પતિ અને સાસુ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાથી તે માનસિક રીતે તૂટી ગઈ હતી. મહિલાના જણાવ્યા મુજબ, પતિ તેની વાત સાંભળતા નહોતા અને તેને પૂરતો સહકાર પણ આપતા નથી.
માસી સાસુના પુત્રએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સાસુ ઘરમાં સગા-સંબંધીઓના યુવકોને રાખે છે અને ઘરનાં વિવિધ કામ તેની પાસે કરાવવામાં આવે છે. તેમજ પતિની ગેરહાજરી દરમિયાન માસી સાસુના પુત્રએ દારૂના નશામાં તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અભયમની ટીમ મહિલાને તેના સાસરીયામાં લઈ ગઈ હતી. તે સમયે પતિ બહાર ગયાનું જાણવા મળ્યું હતું. મહિલાએ સાસુ દ્વારા તેના ચારિત્ર્ય અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

