Gujarat

મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

મોરબીના નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં SOG ટીમે દરોડો પાડી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 1.09 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મોરબી જિલ્લા SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે નવલખી રોડ પરની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મયુરભાઈ ગોગરાના મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે. આ બાતમીના આધારે SOG ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન, સ્થળ પરથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 87,720 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત, પોલીસે રૂ. 11,550 રોકડા, રૂ. 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને વજન કાંટો પણ જપ્ત કર્યો હતો. આમ, કુલ રૂ. 1,09,770નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપી મયુરભાઈ બાબુભાઈ ગોગરા (રહે. શ્રદ્ધા સોસાયટી, નવલખી રોડ, મોરબી)ની ધરપકડ કરી છે. તેમની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOG પીઆઈ આર.સી. ગોહિલની સૂચના મુજબ આ કામગીરી કરવામાં આવી હતી. હાલ પોલીસ પકડાયેલા શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.