જામનગર મહાનગરપાલિકા (JMC)ના અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નગરસેવકોએ પ્રી-મોન્સૂન કામગીરી અને ટીપી સ્કીમના મુદ્દે શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં કેનાલોની સફાઈ માત્ર કાગળ પર જ થઈ રહી છે અને ટીપી સ્કીમમાં પ્લોટનો હેતુફેર કરીને બિલ્ડરોને આર્થિક ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે.
13 સમિતિઓની રચના અને 15 લાખની નાણાકીય સત્તા સામાન્ય સભામાં BPMC એક્ટ અન્વયે સત્તાધારી ભાજપના નગરસેવકોની દરખાસ્તથી વોટર વર્કસ, સેનિટેશન, પબ્લિક વર્ક્સ, લાઈટ, ટાઉન પ્લાનિંગ અને આરોગ્ય સહિત કુલ 13 સમિતિઓની રચના કરીને સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. આ સમિતિઓને રૂ. 15 લાખ સુધીના કામો મંજૂર કરવાની નાણાકીય સત્તા આપવામાં આવી છે, જે દરખાસ્ત હવે રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. બીજી તરફ, આપના નગરસેવિકા જૈનબબેન ખફીએ આ કમિટીઓમાં વિપક્ષના સભ્યોને પણ સ્થાન આપવા માટે રજૂઆત કરી હતી.
ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં બંધ અને અદાલતની મંજૂરીથી પોલીસ જાપ્તા હેઠળ સભામાં હાજર રહેલા કોંગ્રેસના નગરસેવક અલ્તાફ ખફીએ આક્ષેપ કર્યો હતો કે, શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ છે, જેના લીધે ચોમાસામાં સામાન્ય લોકોને કેડ સમા પાણીમાં હેરાન થવું પડે છે.
વિપક્ષના આ આક્ષેપો સામે મનપાના અધિકારી કટેશિયાએ ખુલાસો કર્યો હતો કે શહેરમાં 34 કિમી કેનાલની સફાઈ માટે રૂ. 34 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, 3થી 4 ઝોનમાં 3 વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ એજન્સીએ ટેન્ડર ભર્યા નથી. વધુમાં, અમુક કેનાલોની આજુબાજુ મકાનો હોવાથી ત્યાં મશીનરી પહોંચી શકતી નથી, જેના કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

