Gujarat

સિહોરમાં સાસરું ધરાવતી પરિણીતાએ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને એસિડ પીધું

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે પતિ અને સાસુના માનસિક તથા શારીરિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા અને એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પરિણીતાને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે પરિણીતાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

પતિ પિયરમાં આવીને અપશબ્દો બોલીને અપમાન કરતો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતી અને સિહોરમાં સાસરું ધરાવતી પરિણીતા લાભુબેન ઘનશ્યામભાઈ જોગદીયાએ ઉમરાળા પોલીસ મથકે પોતાના પતિ ઘનશ્યામ દલપતભાઈ જોગદીયા અને સાસુ નંદુબેન દલપતભાઈ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી પતિ તેના ચારિત્ર્ય પર શંકા રાખી અવારનવાર મારકૂટ કરી શારીરિક ત્રાસ આપતો હતો, જ્યારે સાસુ ઘરકામ બાબતે સતત માનસિક ત્રાસ આપતા હતા. ત્રાસથી કંટાળીને છેલ્લા 14થી 15 મહિનાથી તે પોતાના પિયરમાં દડવા ગામે રહેતી હતી. તેમ છતાં પતિ ત્યાં પણ પહોંચી “તું અહીં શું ધંધો કરે છે તેની મને ખબર છે, અહીં આવતી રહે” જેવા અપશબ્દો બોલી તેણી તેમજ તેના માતા-પિતાનું અપમાન કરતો હતો.

એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો આ સતત ત્રાસથી કંટાળીને ગત રોજ સવારે માતા-પિતા વાડીએ કામે ગયા હતા, ભાઈ બહારગામ ગયો હતો અને બંને બાળકો શાળાએ ગયા હોવાથી ઘરે એકલી રહેલી પરિણીતાએ ખડ બાળવાની ઝેરી દવા તેમજ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.