અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસે જુગાર વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે ભામસરા અને કાણોતર ગામમાં બે અલગ-અલગ દરોડા પાડી કુલ 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂ. 64,490 રોકડ અને 4 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પ્રથમ દરોડો ભામસરા ગામે પાડવામાં આવ્યો હતો. બગોદરા પોલીસ સ્ટેશનના અ.હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ કાવજીભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે ગંજીપાનાનો જુગાર રમતા 7 ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
તેમની પાસેથી રૂ. 51,630 રોકડા અને 4 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 71,630નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજો દરોડો કાણોતર ગામે પાડવામાં આવ્યો હતો. અહીં પણ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગંજીપાનાનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. 12,860ની રોકડ રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને કાર્યવાહીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 64,490 રોકડા અને 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

