Gujarat

મર્ડર કેસનો આરોપી ‘યુનુસબાણુ’ MD ડ્રગ્સ સાથે ઝડપાયો

મહારાષ્ટ્રમાં માત્ર ધોરણ-4 સુધી અભ્યાસ કરનાર અને જમીન લે-વેચના વ્યવસાયની હેઠળ કાળો કારોબાર ચલાવતો 36 વર્ષીય યુનુસ ઉર્ફે યુનુસબાણુ કાદર શેખ(રહે.કમરૂનગર, હાલ-માનદરવાજા, સુરત)ને એમ.ડી ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી યુનુસ અત્યંત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

વર્ષ 2017માં તેણે પોતાના પિતા, ભાઈઓ અને સાગરીતો સાથે મળીને લીંબાયતમાં સાબિર નામના યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હત્યાના કેસમાં 4 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ 2021માં જામીન મુક્ત થયેલો આ આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.

પુણા ખાડી રોડ પર બાતમીના આધારે દરોડો સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો લઈ વેચાણ કરવા પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે પુણાગામ અર્ચના સ્કૂલ સર્કલથી સરદાર માર્કેટ તરફ જતા ખાડી રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા યુનુસબાણુ શેખને ઘેરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ગેરકાયદે રીતે રાખવામાં આવેલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે તેની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી.

2.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી યુનુસબાણુના કબજામાંથી 64.53 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹ 1,93,590 આંકવામાં આવી છે. આ ઉપરાંત, તેની પાસેથી ₹ 4,000 રોકડા, 40,000ના 2 મોબાઈલ ફોન તથા ઓળખકાર્ડ મળીને ₹ 2,37,590નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે.